ફેફસાં
મનુષ્યમાં શ્વસનતંત્રમાં ભાગ લેતું એક અગત્યનું અંગ:-
મનુષ્યના શરીરમાં બાહ્ય નાસિકાછિદ્ર ,નાસિકા કોટર , કંઠનળી અથવા ગ્રસની , સ્વરપેટી, શ્વાસનળી ,શ્વાસવાહિની અને ફેફસાં - આ મુખ્ય શ્વસન અંગો છે. આ બધા જ અંગો મળીને જે તંત્ર બનાવે છે તે શ્વસનતંત્ર કહેવાય છે.
ફેફસાંની એક જોડ હોય છે. તે છાતીનાં પોલાણમાં પાંસળી પિન્જરથી રક્ષાયેલાં હોય છે. દરેક ફેફસાંની આસપાસ બે પડ નું આવરણ હોય છે. બે પડ વચ્ચેનું પોલાણ પ્રવાહીથી ભરેલું હોય છે. આ પ્રવાહી ઘર્ષણનિરોધ તરીકે વર્તે છે અને તેને લીધે ફેફસાંની કામગીરી સરળ બને છે.
નાક દ્વારા લેવાયેલી ઓક્સિજનવાળી હવા શ્વાસનળી દ્વારા ફેફસાંમાં પ્રવેશે છે. શ્વાસનળીના નીચેના છેડે બે ફાંટા પડે છે. તે ફાંટાને શ્વાસવાહિની કહેવાય છે. એક શ્વાસવાહિની ડાબા અને બીજી જમણા ફેફસામાં જાય છે. ફેફસાં વાદળી જેવા સ્થિતિસ્થાપક હોય છે. ફેફસાંમાં શ્વાસવાહિનીમાંથી અનેક શાખાઓ નીકળે છે ,જેમને વાયુવાહિનીઓ કહેવામાં આવે છે.
વાયુવાહિનીઓને છેડે વાયુપોટા હોય છે. વાયુપોટાની દિવાલ સ્થિતિસ્થાપક અને ખૂબ જ પાતળી હોય છે. વાયુપોટાની આસપાસ કેશવાહિનીઓ પથરાયેલી હોય છે. વાયુપોટા અને કેશવાહિનીઓની દીવાલ અતિશય પાતળી હોવાથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ વગેરેની આપ-લે સહેલાઇથી થઇ શકે છે.
ફેફસાંની નીચે છાતી અને પેટને જુદો પાડતો ઉદરપટલ અથવા ઉરોદરપટલ નામે ઓળખાતો સ્નાયુનો પડદો આવેલો હોય છે. શ્વસનક્રિયા સમયે બંને બાજુની પાંસળીઓ, તેની વચ્ચે આવેલા સ્નાયુઓ , છાતીની મધ્યમાં આવેલું ઉરોસ્થિ અને ઉદરપટલ - એ બધું છાતીને નાની-મોટી કર્યા કરે છે.
શ્વસનક્રિયા દરમિયાન ઉદરપટેલની નીચે જવાનો ક્રિયાથી ફેફસા પર દબાણ ઘટે છે અને તે ફૂલે છે. ફેફસાં ફૂલવાથી તેની અંદરનું હવાનું દબાણ ઘટે છે. જેથી બહારની હવા નાક વાટે દાખલ થઈ ફેફસાં સુધી પહોંચે છે.
આમ વાતાવરણમાંથી હવા શરીરમાં ફેફસામાં દાખલ થવાની ક્રિયાને અંતઃશ્વસન અથવા
શ્વાસ કહે છે. વાયુપોટા અને તેને ફરતી પથરાયેલી કેશવાહિનીઓ દ્વારા શ્વાસમાં લીધેલી હવામાંનો ઓક્સીજન લોહીમાં ભળે છે. લોહીમાંનો કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે.
ઉદરપટલ ઊંચો જવાથી છાતીનું પોલાણ ઘટે છે, તેથી ફેફસાં પરનું દબાણ વધતા તેમાંથી હવા બહાર નીકળે છે. ફેફસાંમાંથી હવાને વાતાવરણમાં બહાર ફેંકાવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે.
મનુષ્ય ઉપરાંત પક્ષીઓ, દેડકાં અને ગરોળીમાં શ્વસન ફેફસાં દ્વારા થાય છે. દેડકાં ફેફસાં અને ત્વચા - એમ બંને દ્વારા શ્વસન કરે છે. અળસિયાંમાં ત્વચા દ્વારા વાયુઓની આપ-લે થાય છે. અમીબા અને પેરામિશિયમ જેવા પ્રાણીઓ શરીરની સપાટી દ્વારા અને માછલી જેવા પ્રાણીઓ ઝાલર જેવી રચનાઓ દ્વારા ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. કેટલાંક કીટકોમાં વાયુવિનિમય માટે શાખિત શ્વાસનલિકાઓ હોય છે.
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.