ગોંડલનરેશ ભગવતસિંહજી
જન્મતારીખ :- ૨૪-૧૦-૧૮૬૫
અવસાન :- ૯-૩-૧૯૪૫
જન્મસ્થળ :- ધોરાજી
અભ્યાસ :- રાજકોટની રાજકુમાર કૉલેજના ઉત્તમ વિદ્યાર્થી, યુરોપના પ્રવાસ દરમ્યાન નિરીક્ષણથી વ્યુત્પન્ન દૃષ્ટિની વિદ્વત્તા
પ્રવૃત્તિ - રાજ્યશાસન
કૃતિ
કોશ :- ભગવદ્ગોમંડલ, ભા. ૧-૯(૧૯૪૪-૫૫)ના પ્રેરક, સક્રિય પ્રાયોજક અને માર્ગદર્શક; સંક્ષિપ્ત ભગવદ્ગોમંડલ (૧૯૫૪)
‘ગુજરાત વિદ્યાપીઠ'ના ‘સાર્થ જોડણીકોશ'નો પ્રકલ્પ વિચારાયો તેનાં વર્ષો પહેલાંથી ગોંડલનરેશ ભગવતસિંહજી આ દિશામાં સક્રિય હતા. તેઓ રાજપુરુષ ઉપરાંત વિદ્યાપુરુષ હતા, સંસ્કારપુરુષ હતા. રાજ્યનો વહીવટ ગુજરાતીમાં જ ચલાવવાનો તેમનો સંકલ્પ હતો. તેમણે સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં વપરાતા શબ્દો, તેના અર્થો, વ્યુત્પત્તિ તેમ જ વિવિધ સંદર્ભે થતા તેના પ્રયોગોની ચીવટથી નોંધ લેવાનો ઉપક્રમ સેવ્યો હતો. ત્રીશ વર્ષના આ અભિયાનને પરિણામે તેમણે પોતે વીશેક હજાર ઉપરાંત શબ્દોનો સંચય કર્યો હતો. તેમણે ૧૯૨૮માં રાજ્યના વિદ્યાધિકારી ચંદુલાલ બેચરલાલ પટેલની અધ્યક્ષતામાં વ્યવસ્થિત કોશકાર્યાલયની સ્થાપના કરી હતી. ગોંડલનરેશના સક્રિય માર્ગદર્શન નીચે જે કોશ તૈયાર થયો તે કેવળ શબ્દાર્થકોશ નથી, એક પ્રકારનો જ્ઞાનકોશ પણ છે. આ અગાઉ પ્રગટ થયેલા ગુજરાતી શબ્દાર્થકોશો, ગુજરાતી-અંગ્રેજી, અંગ્રેજી-ગુજરાતી, ફારસી-અરબી-ગુજરાતી બધા કોશોને ઉપયોગમાં લઈ, તેમ જ ક્ષેત્રકાર્ય કરી તૈયાર કરાયેલો આ સર્વગ્રાહી ‘ભગવદ્ગોમંડલ' તે સહુ કોશો કરતાં તેમ પહેલાંના અને પછીના કોશો કરતાં મૂઠી જ નહિ, બે હાથ ઊંચેરો છે. આ કોશના કુલ નવ ભાગ છે. પહેલો ભાગ ૧૯૪૪માં અને નવમો ભાગ ૧૯૫૪માં પ્રગટ થયો હતો. ૯૨૬૫ પૃષ્ઠોના આ સચિત્ર મહાકોશમાં કુલ ૨૮૧૩૭૭ શબ્દો, ૫૪૦૪૫૫ અર્થો અને ૨૮૧૫૬ રૂઢિપ્રયોગોનું સંકલન થયું છે. આ કોશની બીજી આવૃત્તિ સાહસિક વિદ્યાપ્રેમી પ્રકાશક ગોપાલભાઈ પટેલે – પ્રવીણ પ્રકાશન, રાજકોટે ૧૯૮૬માં કરી. તેની ત્રીજી આવૃત્તિ આ ૨૦૦૮ના વર્ષના આરંભના મહિનાઓમાં તે જ પ્રકાશક - મિત્રે પ્રગટ કરી છે. હવે તે વેબસાઈટ પર પણ આંદોલ કરે છે.
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.